મુખ્ય સામગ્રી પર જાઓ

જીંદગીની એક ભૂલ

*જીંદગીની એક ભૂલ*

" મને તેના સાથે જ લગ્ન કરવા છે.તું પપ્પાને મનાવ." સાદી સરળ દેખાતી તથા સલવાર સૂટ પહેરેલી ઓગણીસ-વીસ વર્ષની છોકરી બોલી.

તેના મમ્મી ચિંતામાં આવીને બોલ્યાં, " પણ તું તે છોરાંને ઓળખતી પણ નથી તો તને ત્યાં કેમ પરણાવી દઈએ જિજ્ઞા ? "

" હું તો તેનાથી જ કરીશ કહી દઉં છું." તેમ કહી ગુસ્સે થતી જિજ્ઞા સુઈ ગઈ. સવાર થતાં જ જિજ્ઞા સાત વાગે કૉલેજની બસમાં કૉલેજ ચાલી ગઈ. તે કૉલેજના ત્રીજા વર્ષમાં હતી. બી.એ. તેનું પૂરું જ થવાનું હતું. તેના કૉલેજમાં ચાર લેક્ચર લેવાતાં.

" હાલ જિજ્ઞા અમારી સાથે નાસ્તો કરવા." રીસેસ પડતાં જ ખુશ્બૂએ તેને કહ્યું, પણ જિજ્ઞા તેને ના પાડીને સીધી કૉલેજની અગાસીમાં ચાલી ગઈ.

"હાય, હીના કેમ છે?" જિજ્ઞા તેની ફ્રેન્ડ હીના પાસે આવી. જે કૉલેજના પહેલા વર્ષમાંમાં હતી ને એટલી ચતુરાઈ હતી એનામાં કે તે કોઈને પણ ફસાવી શકે.     

જિજ્ઞા આતુરતાથી બોલી," તારી ધર્મેશથી વાત થઈ?"

" હા, થઈ હતી. એને તારી બહુ યાદ આવે છે. તમે ક્યારે લગ્ન કરશો? " હીના ધર્મેશની મુંહબોલી બહેન હતી.

"લગ્ન તો કરવા છે પણ મારા ઘરમાં માનતા નથી પપ્પા. " ઉદાસ થતી બોલી.

"તો ભાગીને કરી લ્યો ને. મારો ભાઈ સારો છે. તને ખુશ રાખશે. તને ખૂબ જ પ્રેમ કરે છે, કોઈ દિવસ દગો નહીં કરે." હીનામાં લુચ્ચાઈ ભરી હતી. જે જિજ્ઞા ઓળખી શકતી નહોતી. જિજ્ઞાએ ભાગીને લગ્ન કરવાનો નિર્ણય લીધો કારણ કે તેના ઘરમાં પપ્પા માનતા નહોતા.

કૉલેજથી પરત ફરતાં જિજ્ઞાએ મનમાં વિચાર્યું કે તે એની નાનીને વાત કહે. કારણ કે ત્યારે એને એમ જ લાગતું કે તેની નાની તેનો સાથ આપશે.

" બાઈ, તમે ધર્મેશને મળી જોવો કે તે કેવો છે, મને તેનાથી જ લગ્ન કરવા છે પણ પપ્પા માનતા નથી." જિજ્ઞાને એમ હતું કે નાની માની જશે ને સાચે એવું જ થયું. રાત્રે જિજ્ઞા મોબાઈલમાં ધર્મેશ સાથે મૅસેજમાં વાત કરતી હતી. 

" હાય જિજ્ઞા જમી તું ?" ધર્મેશનો મૅસેજ આવ્યો. જિજ્ઞાએ ' હા ' માં જવાબ આપ્યો.

" મેં વકીલ પાસે લગ્ન માટેના કાગળ તૈયાર કરાવ્યા છે. કાલ હું તને લઈ જઈશ, સાઈન જોઈશે અને મંદિરમાં થોડી વિધિ કરવાની હશે." ધર્મેશ બોલ્યો.

" હા, તૈયાર રહીશ. તમે નાનીના ઘરેથી મને લઇ જજો. મેં નાનીને વાત કરી છે. તે તમને મળવા માગે છે."

" હા કાલે બપોરે ત્રણ વાગે આવીશ. જીજ્ઞા એક વાત કહું ?" ધર્મેશ બોલ્યો.

" હા કહો." જિજ્ઞા જરા ચિંતામાં આવી ગઈ. કારણ કે તેના મનમાં એમ હતું કે ધર્મેશ સાથે જોડવામાં કાંઈ મુશ્કેલી આવશે તો?

" તને તો ખબર છે કે મને દારૂ પીવાની આદત છે, પરંતુ હું લગ્ન પછી પીવાનું ઓછું કરી નાખીશ. તને કોઈ દિવસ દુઃખી થવા નહીં દઉં એ મારું પ્રોમિસ છે." ધર્મેશે કહ્યું. 

        જિજ્ઞાને ધર્મેશની બધી ખબર હતી કે એને દારૂની આદત છે, પણ એ બહુ ઊંડું વિચારી શકતી નહોતી. વિચારોમાં ચાલી ગયેલી જિજ્ઞાને મા-ની ચિંતા હતી. આ બધી વાતની વચ્ચે તેની માઁથી અલગ થઈ ગઈ હતી. કારણ કે માઁ તેના પપ્પાનો સાથ આપતી હતી. પપ્પા સામે આ વાત આવતા તેના પપ્પાએ તેને અપશબ્દો બોલેલા. તેથી જિજ્ઞાને ખૂબ જ ગુસ્સો આવ્યો. માટે આ પગલું ભરવા તે મક્કમ થઈ ગઈ. આમ જ વિચારો કરતી સુઈ ગઈ. સવાર પડતા જ તે તેના ઘરે આવી. કારણ કે તેના નાની બાજુના ઘરમાં રહેતા હતા. ઘરના વાતાવરણને કારણે તે ત્યાં જઈને સૂતી. ચા-પીને તૈયાર થઈ કૉલેજ ગઈ.

" તારા કોર્ટ મેરેજ માટે જોરશોરથી તૈયારી ચાલે છે. હવે જલ્દી કરજો તમે કારણ કે પરીક્ષા નજીક આવે છે." હીના બોલી.

" આજે જવાના છીએ તું આવીશ ને? " જિજ્ઞાએ પૂછ્યું કારણ કે તેને હીના પર વિશ્વાસ હતો.

" ધર્મેશ આવ્યો હતો કાગળ રાખી ગયો છે તું તેને પેલા તળાવ પાસે મળજે ત્યાંથી સાઇન કરવા જવાની છે. હું ત્યાં સુધી દીવો પ્રગટાવું." નાની બોલી.( બપોરના ઘરે પહોંચતા ) ત્યાં તો મોબાઈલની રિંગ વાગી. જોયું તો ધર્મેશનો ફોન હતો.

"ક્યાં છો તું રાહ જોઉં છું તારી ?"

" બસ નીકળી ગઈ આવું છું." બન્ને જણ કોર્ટ ગયા સાઈન કરીને મહાદેવના મંદિરે પહોંચ્યા. ત્યાં પંડિતએ વરમાળા -સિંદૂરની વિધિ કરાવી. જિજ્ઞાને ધ્રાસકો લાગ્યો. ધર્મેશ દારૂ પીને આવ્યો તેની જાણ થઈ.

"તમે દારૂ ક્યારે મુકશો?" ગભરાયેલા અવાજ સાથે બોલી.

"બસ તું આવી જા મારા ઘરે એટલે મૂકી દઉં." તે આ વાત પર ધ્યાન ન દેતો હોય તેમ બોલ્યો. ઘરે પહોંચીને એ જ વિચારતી હતી કે હું જે કરું છું તે બરાબર છે? ક્યારેક સંજોગો આપણા હાથમાં નથી હોતાં. ક્યારેક ઇચ્છતાં ન હોઈએ એવા કર્મ પણ ભોગવવા પડે છે. આખરે એ દિવસ આવ્યો. જ્યારે જિજ્ઞા રાત્રિના આઠ વાગ્યે ઘર મૂકીને ભાગી ગઈ. એક મોટી કારમાં જિજ્ઞાને ધર્મેશ લઈ જતો હતો.

" તારા પપ્પાને ફોન કરીને એમ કહેજે કે તું મારા સાથે આવી ગઈ છો. તમે ચિંતા ન કરતાં." જિજ્ઞાએ ઘર મૂકતા પહેલાં વિચાર્યું કે, ' ન જઉં. ' પણ નસીબમાં લખેલું કોણ ટાળી શકે છે? આ બનાવ જ્યારે પ્રત્યક્ષ અનુભવીએ ત્યારે જાણ થાય કે કેવી કપરી પરિસ્થિતિમાં મુકાઈએ છીએ.

" પપ્પા, હું ધર્મેશ સાથે આવી ગઈ છું." કહેતાં જાણે જિજ્ઞાને જમીન પગ નીચેથી ખસકી ગઈ હોય એવું ભાસ થયું. ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. ત્યારે ધર્મેશે તેના પર ધ્યાન ન આપ્યું. જિજ્ઞા રડતી રહીને, ક્યારે મુંબઈ પહોંચી ગઈ તેને ખબર ન પડી. ' ચલમન મુંબઈ નગરી જોવા ' આવું ગણું સાંભળ્યું, પણ આ મોટી નગરીમાં પહેલીવાર પગ મૂકેલો.

• 
" જિજ્ઞાને ભાન ન પડી શું ? કે આવા ધંધા કરી ગઈ. ઈજ્જત ઉતારી ગઈ સમાજની સામે." પ્રશાંતભાઈ જે જિજ્ઞાના બાપુ- ખૂબ જ ગુસ્સામાં હાથમાં રહેલો કાગળ ફેંકતા બોલ્યાં. કારણ જિજ્ઞા ભાગીને લગ્ન કર્યા એ પેપરમાં આવી ગયું.

જિજ્ઞાના મમ્મીએ રડતા રડતા કહ્યું, " તો તમે માની કેમ ન ગયા ? એ તો તમને માત્ર એ છોકરાની તપાસ કરવાનું કહેતી હતી. ક્યાં ભાગતી હતી? ઉલટાનું તમે અપશબ્દો બોલ્યા. એ નાની છે એને સમજ નથી તો તમે શાંતિથી સમજાવી શકો છો. "

" આજ પછી આ ઘરમાં એનું નામ ન લેજે." - એના શરીરમાં જાણે આગ વરસતી હોય એમ ગુસ્સો કરતાં કહ્યું ને ઘરની બહાર ચાલી ગયા. જિજ્ઞાની માઁ રડતાં જ રહ્યા. "મારી દીકરીનું ત્યાં શું થશે?" તેના વિચારોમાં ડૂબી ગયા.
• 
        જિજ્ઞા-ધર્મેશ એક આલીશાન હોટલમાં પ્રવેશ્યાં. જે હોટલ ખૂબ જ સુંદર, ત્યાંના લોકો અજીબ દેખાતા હતા. કારણ કે ત્યાં વસ્તી સારી નહોતી લાગતી. એક રૂમ લીધું. પણ જિજ્ઞા તો અલગ જ વિચારોમાં ખોવાયેલી હતી.

" જિજ્ઞા, તું નાહી-ધોઈને તૈયાર થઈ જા. આપણે બહાર જમવા જઈએ." કહી ધર્મેશ સૂઈ ગયો. જિજ્ઞા તૈયાર થઈ ગઈ. તે માત્ર પહેરેલ કપડે જ આવી હતી માટે એ જ કપડાં પહેરી લીધા. જિજ્ઞાએ આજુબાજુ જોયું તો માત્ર મછી વહેંચતા લોકો જોયા. ધર્મેશે જિજ્ઞાને માટે કપડાં ખરીદી આપ્યા. ત્યાર બાદ જમીને પરત ફર્યા. રાત્રે સૂતી વખતે જિજ્ઞાને ઊંઘ નહોતી આવતી. " મને મારા ઘરે જવું છે. ધર્મેશનું વર્તન પણ સાવ બદલાઈ ગયું છે. મને ખબર નહોતી કે તે આવું કરશે. " મનમાં વિચારો કરતી ક્યારે આંખ મીંચાઈ ગઈ ખબર ન પડી.
• 
         ચાલીસ-પચાસ ઘરની વસ્તી ધરાવતું ગામ , અવર- જવર માટે બસ આખા દિવસમાં એક વખત સવારે સાત વાગ્યે જ મળે. તે ગામનું નામ હતું- કચ્છના અબડાસાનું સાંધાણ. જિજ્ઞાએ પહેલી વખત ધુળેટીના દિવસે એ ગામમાં પગ મૂક્યું. ધર્મેશ સાથે કારની પાછળની સીટમાં બેઠી હતી ને ગામમાં પસાર થતી નાની-નાની શેરીઓને જોતી રહી. મનમાં ઉઠતા સવાલો- આગળ જતાં શું થશે ? ગાડી અચાનક થંભી ગઈ.

" ચાલ આવી ગયું ઘર " ધર્મેશે ગાડીમાંથી ઉતારતા કહ્યું. ખૂબ સરસ ડ્રેસ પહેરેલું, હાથમાં મહેંદી, માથામાં મોગરાનો ગજરો સુંદરી દેખાતી એવી જીજ્ઞા ગાડીમાંથી ઉતરી તો તેના કાને એક અવાજ આવ્યો.

" કેમ છો ભાભી ? " સાવ પાતળી- દેખાવે શાંત લાગતી સાદા ડ્રેસમાં એની નણંદ દિપાલી ઊભી હતી.

"બરાબર, તું કેમ છો?" જિજ્ઞાએ કહ્યું.

" 'તું' નહીં 'તમે' કહેજે તારી નણંદ છે ." ધર્મેશે વચ્ચે બોલ્યું. ધર્મેશનું આવું વર્તનથી મૂંઝાઈ ગઈ.

" પણ દિપુ મારાથી નાની છે." જિજ્ઞાએ સહજ રીતે કહ્યું.

" એ તારે નક્કી નથી કરવાનું. અમે કહીએ એમ જ હાલવાનું છે. તું આ ઘરની વહુ છો. દિપુ કહે એમ જ કરવાનું છે તને." ધર્મેશ જાણે તેના પર રોપ જમાવતો હોય તેમ કહ્યું. જિજ્ઞાને બધું અજીબ લાગતું હતું કે હજી હું આ ઘરમાં પ્રવેશી નથી ને આ બધું શું થઈ રહ્યું છે?

" ભાભી અંદર ચાલો. બધા તમારા સ્વાગત માટે તૈયાર ઊભા છે." દિપુએ દરવાજો ખોલતાં કહ્યું. 

" આવી તું, તારી જ રાહ જોઈને બેઠા હતા." એકદમ જાડી સરખી દેખાતી, માથામાં મોટો લાલ ચાંદલો, મોઢો જાણે કોઈ કડક સ્વભાવ-હાવભાવ હોય તેવું, લાલ રંગની બાંધણીની ગુજરાતી સાડી પહેરેલી અને હાથમાં આરતીની થાળી લઇને એક બહેનને આવતાં જોયા. દરવાજામાં પ્રવેશતાં મોટો રેતીનો આંગણો અને અંદર એક બીજો દરવાજો પડતો હતો. દરવાજાનું વર્ણન તો એવડું ન થાય કારણ કે ગામડું છે, માટે દરવાજાની માથે સાંકળ જેવી કડી હતી. જિજ્ઞા અંદર પ્રવેશીને બે પગથિયાં ઉપર એક મકાન હતું ત્યાં દરવાજા પાસે ઉભી રહી. જિજ્ઞા-ધર્મેશની આરતી ઉતારી ને કંકુના પગલાં કરાવી ગ્રહપ્રવેશ કરાવ્યું.
• 
         જુલાઈનો મહિનો બપોરના બે વાગ્યે ઑફિસનો દરવાજો ખોલી જિજ્ઞા પ્રવેશી. સામે ધર્મેશ તેના પિતા ચંદ્રકાન્ત ઊભો હતો.

" બંને અહીં સાઈન કરો. " ત્યાં રહેલાં એક કર્મચારીએ કહ્યું. તે સ્ટેમ્પમાં લખ્યું હતું, ' લગ્નવિચ્છેદ પ્રમાણપત્ર. ' 

" જિજ્ઞાના હાથ કાપતાં-કાપતાં પેપર તરફ ગયા અને પેન ચલાવી. મનમાં રહેલાં વિચારોમાં અટવાઈ ગઈ. ડિવોર્સની નોટરી થઈ ગઈ, ત્યાં સુધી એકવાર ધર્મેશે કંઈ કહ્યું નહીં.

" તું જ્યાં પણ રહે ત્યાં ખુશ રહે એવા મારા આર્શીવાદ છે." પડછંદ અવાજ સાથે જિજ્ઞાની સાસુ સંગીતાએ કહ્યું. જિજ્ઞા બોલી ન શકી. જિજ્ઞા અચાનક વિચારોમાં ચાલી ગઈ. સવારનાં સાડા છ વાગ્યે ઉઠતી. જિજ્ઞા આજ તાવથી તપી રહી હતી. 

" ધર્મેશ મમ્મીને કહે આજ મજા નથી આવતી." જીજ્ઞા બોલી. પણ ધર્મેશ ઉઠ્યો નહિ. જિજ્ઞા પોતાના રૂમનો દરવાજો ખોલી બહાર નીકળી.

" મમ્મી, મજા નથી આવતી. થોડીવાર સુઈ જઉં ? " જિજ્ઞા એ વિનંતી કરી.

" ના ઘરના કામ કોણ કરશે ? નોકરાણી રાખી નથી અમે. તું વહુ છો. તારે જ કરવું પડશે. હમણાં દૂધવાળો આવશે જા. તપેલી લઈ આવ પછી કપડાં ધોવા બેસ." જિજ્ઞાની સાસુ બોલી. જિજ્ઞાને ગુસ્સો આવ્યો પરંતુ તરત કામ કરવા લાગી 
ગઈ. કામ પતાવી જીજ્ઞા ઘરમાં આવી.

" ધર્મેશ ક્યાં જાઓ છો? " જિજ્ઞા એ ચિંતામાં કહ્યું.

" નખત્રાણા જઉં છું."

" મને લઈ જાઓ સાથે. "

" ના, તારું કામ નથી." ધર્મેશે બૂટની દોરી બાંધતા કહ્યું.

" પણ મને અહીં ગભરામણ થાય છે. મમ્મી ને દિપુ મારી સાથે ખરાબ વર્તન કરે છે અને તમે આવો ત્યારે વર્તન જુદું હોય છે. " આજે જિજ્ઞાએ પહેલીવાર ધર્મેશ સામે પોતાના દિલની વાત કહી. કારણ કે ધર્મેશ કોઈ દિવસ તેની પૂછા કરતો નહીં.

" શું બોલશ તું ? દિપુ-મમ્મી તને કેટલું સારું રાખે છે. તારે એમની વાત માનવી જોઈએ."

" તમે ક્યાં અહીં હો છો કે ખબર હોય તમને? કમાતા તો છો નહીં અને વારંવાર નખત્રાણા નીકળી જાઓ છો. મને સાથે આવવા દો. નહીં તો તમે પણ જવા નહીં દઉં." આજે જિજ્ઞા ખૂબ જ ગુસ્સામાં હતી. અચાનક હાથ જોરથી તેના મોઢા તરફ આવ્યો. ધર્મેશે થપ્પડ લગાવી દીધી અને ઘરમાંથી બહાર નીકળી ગયો. જિજ્ઞા રડતી જ રહી. અચાનક જિજ્ઞા ભાનમાં આવી. આંખમાં આંસું હોવાના કારણે ધૂધળું દેખાતું હતું.

" અમારા દાગીના આપી દે. " સંગીતાએ તેને કાનની બુટી, ઝીણા સાંકરા દાગીના આપ્યા હતા. જિજ્ઞા પહેલેથી એક નાની ડબીમાં લઈ આવી હતી. 

" ચાલ, અહીં શા માટે ઊભી રહી? " દેખાવે શાંત, પરંતુ જિજ્ઞાના પપ્પાએ એકવાર ધર્મેશને કાંઈ કહ્યું નહતું. કારણ કે જિજ્ઞાએ તેની મરજીથી લગ્ન કર્યા હતા.

" જીવનમાં ક્યારેક આપણે ધારીએ એ થતું નથી." જિજ્ઞાની માઁએ તેની આંખમાં રહેલા આંસું લૂછતાં કહ્યું. મનમાં વિચારતાં હતા કે " આ શું થઈ ગયું મારી દીકરી સાથે? જીવન ખરાબ થઈ ગયું. "

" બધું બરાબર થઈ જશે." કહીને દુકાન ચાલી ગયા. પાછળથી જિજ્ઞા ખૂબ જ રડતી વિચારોમાં ચાલી ગઈ. 

         સમય જતાં દિપુ અને તેની સાસુ સંગીતા જિજ્ઞા પર રોપ જમાવા લાગી. કારણ કે જિજ્ઞા બીજી જ્ઞાતિની હતી. ધર્મેશ કામ કરતો નહિ. તેથી જિજ્ઞાનું ઘરમાં માન નહોતું. 

" મારે અલગ રહેવું છે, ભેગું નહીં." જિજ્ઞાએ કહ્યું.

" કેમ અહીં શું છે તને? " ધર્મેશે ધ્યાન ન દીધું.

" દિપુ ને માઁ સાથે નહીં રહી શકું. તમે હો ત્યારે અલગ વર્તન કરે છે." કહેતાં આંખમાં આંસું આવી ગયા.

" હવે રોવાનું નાટક ન કર." આટલી સ્પષ્ટતાથી કહેવા છતાં ધર્મેશે વાતમાં ધ્યાન ન આપ્યું. 

" તારે રહેવું જ પડશે અને આલોકોનું સાંભળવું પડશે. હવે તને કઈ નહીં કહું પણ તું શાંતિથી રહે અહીં." જિજ્ઞા પલંગ પર સૂતી રડતી રહી.

" મને સાથે નથી રહેવું. " જિજ્ઞાએ અકળાઈને કહ્યું.

" ભલે, વૈશાખ મહિના પછી ચાલશું. " કહી  ધર્મેશ પણ સુઈ ગયો. જિજ્ઞા ગણીગણીને દિવસ પસાર કરવા લાગી. વૈશાખ પૂર્ણ થઈ ગયો અષાઢી બીજ આવી. જિજ્ઞાની સખી કિંજુએ કહ્યું કે પરિણામ આવી ગયું છે. પરિણામ લેવા જિજ્ઞા તેની મમ્મીના ઘરે આવી. સાસરાવાળાને તો નહોતું ગમતું. કારણ જિજ્ઞા તે લોકોની પોલ જાણી ગઈ હતી. ધર્મેશના કહેવાથી જિજ્ઞા પિયર આવી. જિજ્ઞાના પપ્પા પાંચ મહિને મળ્યા. ત્યાં સુધી જિજ્ઞાની કોઈએ પૂછા નહોતી કરી.

             જિજ્ઞા આવી પછી તેના ઘરમાં ખબર પડી કે જિજ્ઞા ત્યાં કેવી રીતે રહેતી. એટલે છૂટાછેડાનો નિર્ણય લેવાયો. જિજ્ઞાને અલગ નહોતું થવું, પરંતુ ધર્મેશ છેલ્લા સમય પર ફરી ગયેલો. 
• 
 "મમ્મી હું મારું ભણવાનું શરૂ કરું? " જિજ્ઞાને બધું ભૂલી આગળ વધવું હતું.

" ના તારા પપ્પા નહીં માને." ' ભલે ' કહી જિજ્ઞા કામમાં લાગી ગઈ. તેના પપ્પા રોજ નવ વાગ્યે ઘરે પરત ફરતા, ત્યારે જમીને શાંતિથી આંગણામાં બેઠા હતા. ત્યારે જિજ્ઞાએ વાત શરૂ કરી. " પપ્પા હું ભણવાનું પૂરું કરું મારુ ?"

" હવે શું કરીશ ભણીને ? " સમાજના ડરથી ના કહ્યું.

" પપ્પા, માની જાઓ. હું ફરી આવી ભૂલ નહિ કરું. " પપ્પાએ હા ભણી. 

" હા પપ્પા હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું હું ." કહેતા ખુશ થઈ ગઈ. પ્રવેશ મેળવીને પોતાના સપનાંઓ પુરા કરવાનો નિર્ણય લીધો.

          છૂટાછેડા પછી સમાજમાં સ્ત્રીનું સ્થાન નિમ્ન માનવામાં આવતું. " આવી સ્ત્રીઓને ઘરે બહુ દિવસો રખાય નહીં." તેવું સમાજનું માનવું હતું. આવી પરિસ્થિતિમાં મગજ ચકરાવે ચડી જતું. જિજ્ઞા ભણેલી હતી છતાં આંટામાં આવી ગઈ હતી. આવી સ્ત્રીઓ જો સમાજ વિરુદ્ધ જઈ કારકિર્દીમાં આગળ વધવા માંગે તો સંબંધીઓ ઘરે આવીને કહી જાય કે, " જલ્દી પરણાવી દ્યો. આવું થઈ ગયા પછી સ્ત્રીને ઘરમાં ન રખાય. " સ્ત્રીને કઠપૂતળીની જેમ નચાવીને સમાજ આજના આધુનિક સમયમાં પણ જુના વિચારો સ્ત્રી ઉપર થોપે છે. ભૂલ બધાથી થાય પણ તેનાથી માન ઓછું કરવામાં કેમ આવે છે ? સમાજની માનસિકતા તો ન બદલી શકાય, પરંતુ આપણે ધારીએ તો આપણા સપના પુરા કરી શકીએ. જિજ્ઞાને બધામાંથી બહાર નીકળવાનો માર્ગ નહોતો મળતો પણ એ બધું સાથે રાખવાથી તો દુઃખ જ ઊભું થાય. તેથી તે તરફ ધ્યાન ન આપતાં પોતાના સપનાઓ પુરા કરવા કરવામાં મથતી રહી. 

*જુલી સોલંકી ' સચેત '*
*ભુજ કચ્છ*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુની ઝંખના

          મનુષ્ય જીવન એટલે અપેક્ષાઓનું જીવન. માનવી અનેક અપેક્ષાઓ સાથે જીવતો હોય છે. અપેક્ષાઓ એટલે કે ઝંખના. માનવીની દિવસે ને દિવસે જેમ જરૂરીયાતો વધતી જાય તેમ એની ઝંખના અતિ તીવ્ર બનતી જાય છે. મારા ઘરમાં અમે ચાર જણ રહેતા હતા. હું (મન્નુ ) , સુરેશ અને અમારા બે સંતાનો. " મન્નુ, કાલે આપણું ઘર મળી જશે. " - સુરેશ જે મન્નુનો પતિ. મજૂરી કરીને ઘર ચલાવતો. પોતાનું ઘર ન હોવાથી નવા ઘરનું સ્વપ્ન સેવેલું. " વાહ ! ખૂબ સારા સમાચાર આપ્યા. પણ લોન મળી ગઈ ? "  - મન્નુ ખુશ થવાની જગ્યાએ ચિંતામાં આવી ગઈ. ઘણાં સમયથી લોન માટે તૈયારી કરતા હતા. પરંતુ પગ ફરી પાછા પડતાં.              બીજા દિવસે સવારે સુરેશ ઑફિસ ગયેલો. ઘરે પરત ફરતાં સમય લાગ્યો. મન્નુ ચિંતામાં આંગણે બેસીને સુરેશના આવવાની રાહ જોવા લાગી. થોડી વાર પછી સુરેશને સામે આવતો જોયો. થાકના કારણે પેલાનો ચહેરો પડી ગયેલો. પણ સુરેશ તો ખુશ થઈને મન્નુને ઉપાડીને ગોળગોળ ફેરવવા લાગ્યો. 

ધૂલીનો નિર્ણય ( માઈક્રોફિક્શન )

     જિદંગીનાં પ્રસંગ ક્ષણવારમાં પલટાઈ જાય છે. ચેતુ સાથે ઋણાનુબંધ છેલ્લા ચાર વર્ષથી બંધાઈ ગયું. લગ્નની વાત મારા બાપુને આજે કહી જ નાખી. બાપુનો પારો ગબડી પડેલો. બાપુએ ધૂલી સામે આંખ કાઢી. ધૂલી સમજી ગઈ કે- " હવે, કંઈ નહિ થાય. " બાપુના ગુસ્સાના કારણે ધૂલીએ કડવો ઘૂંટડો પી લીધો અને એક નિર્ણય પર પહોંચી આવી. ✍️ જુલી સોલંકી

લાડકી દીકરી

કોમળ કોમળ ડગલું ભરતી આગળ વધી ગઈ; એ મારી લાડકી દીકરી શાળાએ પહોંચી ગઈ. સાદ એનો ચાસણી સમો, ગીત સૂરના પૂરતી ગઈ; મીઠી મીઠી વાતો કરતી, સૌના હૃદયે વસતી ગઈ.  નાનું ઝભલું નહિ, યુનિફોર્મ પહેરતી થઈ ગઈ; પગમાં ઝાંઝરને છમ-છમ વગાડતી થઈ ગઈ.  રમકડું ત્યજીને, પુસ્તકનો સાથ લેતાં થઈ ગઈ; વિકાસના દ્વારે જ્ઞાનનો ઉપયોગ કરતાં થઈ ગઈ.  નાનકડી ગુડિયા,ગુરૂનું સન્માન કરતી થઈ ગઈ; એ મા-બાપુના ખુશીની ચાવી શોધતી થઈ ગઈ.  લાગણીની સંગ,લક્ષ્મીનો અવતાર બની ગઈ; ચોમેર દુનિયામાં નામ રોશન કરતી થઈ ગઈ.  ન રાખતા વેર, પ્રેમના સાગર સંગ વહેતી ગઈ; આયખું જીવન, ' લાડકી દીકરી ' કહેતી ગઈ.  કોમળ કોમળ ડગલું ભરતી આગળ વધી ગઈ; એ મારી લાડકી દીકરી શાળાએ પહોંચી ગઈ. - જુલી સોલંકી ' સચેત '