કોમળ કોમળ ડગલું ભરતી આગળ વધી ગઈ;
એ મારી લાડકી દીકરી શાળાએ પહોંચી ગઈ.
સાદ એનો ચાસણી સમો, ગીત સૂરના પૂરતી ગઈ;
મીઠી મીઠી વાતો કરતી, સૌના હૃદયે વસતી ગઈ.
નાનું ઝભલું નહિ, યુનિફોર્મ પહેરતી થઈ ગઈ;
પગમાં ઝાંઝરને છમ-છમ વગાડતી થઈ ગઈ.
રમકડું ત્યજીને, પુસ્તકનો સાથ લેતાં થઈ ગઈ;
વિકાસના દ્વારે જ્ઞાનનો ઉપયોગ કરતાં થઈ ગઈ.
નાનકડી ગુડિયા,ગુરૂનું સન્માન કરતી થઈ ગઈ;
એ મા-બાપુના ખુશીની ચાવી શોધતી થઈ ગઈ.
લાગણીની સંગ,લક્ષ્મીનો અવતાર બની ગઈ;
ચોમેર દુનિયામાં નામ રોશન કરતી થઈ ગઈ.
ન રાખતા વેર, પ્રેમના સાગર સંગ વહેતી ગઈ;
આયખું જીવન, ' લાડકી દીકરી ' કહેતી ગઈ.
કોમળ કોમળ ડગલું ભરતી આગળ વધી ગઈ;
એ મારી લાડકી દીકરી શાળાએ પહોંચી ગઈ.
- જુલી સોલંકી ' સચેત '
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો